અમદાવાદ.

અહમદશાહને આવે એક વિચાર,
જ્યાં સસલું સિહનો કરે શિકાર.
આ એ અમદાવાદ.

મહાત્મા બેઠોતો સાબરને કાંઠે,
આઝાદીને અહિંસાની વગાડે સિતાર
આ એ અમદાવાદ.

સાત સાત સેતુએ સંબંધમાં શૂન્યતા !
લ્યો ! હવે માનવતા થઈ તડીપાર.
આ એ અમદાવાદ.

જુદી જુદી કોમ પણ તોફાને ટોળું,
પછી પાડોશી પર નહી એતબાર.
આ એ અમદાવાદ.

મારા શહેરની વાત તું કરે ‘હાસ્ય’
જો ફરી બોલ્યો છો ખબરદાર !!!
આ એ અમદાવાદ.

વિપુલ પરમાર ‘હાસ્ય’

Advertisements

કંઈ જામી છે !

કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !

કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,
નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !

નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,
સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !

ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી
કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !

આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને જોયું તો
સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો,કંઈ જામી છે !

બળબળતા સૂરજની ઉપરવટ એકલા ફરતાં’તા ‘હાસ્ય’
આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !

વિપુલ પરમાર ‘હાસ્ય’

Hello world!

નારી…નારી…નારી…નારી..

દીવડા કેરી જ્યોત બની અંધારાને ભાળી,
ધૂપસળીની સુગંધ બની ખુદનું જીવન બાળી,
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.
પતિના પગલે પગલે ચાલી, વનની કેડી કેડી,
રાજપાથના  સુખ  છોડ્યાને છોડી ઉંચી મેડી,
બેઠી ચિતામાં ચુપચાપ, સૂણી રાઘવ કેરી વાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.
પરમેશ્વરને પતિ માનીને ઘૂઘરું બાંધી નાચી,
રાણાનું એ ઝેર પી, બની અમૃતે મધમાતી,
માધવને મજબૂર કરે, આ મેવાડની મહારાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.
સંસ્કાર અને શૂરવીરતાના હાલરડાં તું ગાતી,
દોષ નહિ તારો છતાં પણ તું શલ્યા બની જાતી,
પત્ની, માતા, બેન બનીને ઘર ઘર મહી પૂજાણી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.
      ખાઓ …કસમ સૌ સાથે મળીને,
       દીકરીને રાખશું દીકરો ગણીને,
 ભણી, ગણેલી નારી આખા કુળને લેશે તારી.
નારી…નારી…નારી…નારી.. તારી અમરકથાઓ ગવાણી.
                         વિપુલ પરમાર  ‘હાસ્ય’   સ્વરાંકન : આનંદ સોની
અનુસૂચિત જનજાતિની પચાસ શાળામાં ત્રીજા નંબરનું વિજેતા ગીત
સ્થળ : કપરાડા, વલસાડ.